‘ઈશ્વરનો ફોન આવ્યો’
‘ઈશ્વરનો ફોન આવ્યો’
કોઈક બોલ્યું :”ઈશ્વરથી ડરો".
ઈશ્વરે એ સાંભળ્યું.
પૂછ્યું: "શાને માટે? મેં શું કર્યું?"
અસલના વખતમાં રાજાઓ 'પોતાના રાજ્યમાં શું ચાલી રહ્યું છે?' એ જાણવા માટે છૂપા વેશે લોકોની વચ્ચે ફરતા. પોતાના રાજા માટે, એની કાર્યક્ષમતા માટે; લોકોની સલામતી, કાયદા-કાનૂનની વ્યવસ્થા, અને પ્રજાના હિત માટે રાજા કેટલા સજાગ અને સક્ષમ છે એ અંગે પોતાની પ્રજા કેવા અભિપ્રાય ધરાવે છે એનો અંદાજ મેળવતા.
એક વાર ઈશ્વરને વિચાર આવ્યો કે મને પણ મારા પૃથ્વીપરના બાળકોમાં ચાલી રહેલી વિચારધારાને જાણવી છે. પણ પૃથ્વી ઉપરના રસ્તાઓ ઉપર હું ચાલતો હોઉં, કોઈ મને ઓળખી જાય અને રસ્તા વચ્ચે ઊભો રાખીને, પ્રશ્નો પૂછવા લાગે એવું મારે નથી કરવું. તેથી પોતાના નિરાકાર સ્વરૂપે જ પ્રભુ અવતરિત થયા. કોઈને ખબર નહીં પડી.
એમને એ વિચાર આવ્યો કે “અહીં લોકો ઘરના બારણાં બંધ રાખીને હંમેશા અંદર રહેતા હોય છે. બહારથી તેઓ શું વાતો કરે છે એ સાંભળી તો શકાશે, પણ શું કરે છે એ નહીં દેખાય. તો મને એમના ઘરમાં પ્રવેશીને જ 'આંખો-દેખ્યો અહેવાલ' લેવા દે. મારા ઐશ્વર્યના અદ્રશ્ય પરિધાનને કારણે તેઓ કોઈ મને જોઈ તો નહીં શકશે. પણ મારા બાળકોના યોગક્ષેમની જવાબદારી મારી હૉવાથી એ સહુની જીવનધારા જાણવી એ મારે માટે જરૂરી છે.”
અલગ, અલગ શહેરોમાં અને એ શહેરોની શેરીઓમાં જઈને વિવિધ લોકોની રહેણી-કરણી, આચાર-વિચાર, મનોવૃત્તિ, જીવન-વ્યવહાર, વાર્તાલાપ, અને કાર્ય-પ્રણાલી, એ બધાનો તાગ કાઢવા એમણે પોતાની સર્વેક્ષણ યાત્રા શરુ કરી. ઘણા પરિવારોમાં શું ચાલી રહ્યું છે, માનવ સંબંધોમાં એક બીજા પ્રત્યેના વિચાર, વ્યવહાર, લાગણી, પરોપકારિતા વગેરે કયા સ્તરે પ્રવર્તે છે, માનવ-સેવા, ધર્મ, નીતિ, ભાવ, ભક્તિ, ધ્યાન,જેવાં આત્માને પુષ્ટિ આપનારા સાત્ત્વિક પોષણોને કેટલા લોકોએ જીવનમાં અપનાવ્યા છે, વગેરેની જાણકારી મેળવવા ઘણા સ્થળોએ થોભીને માહિતી મેળવી. સમસ્ત માનવજાત માટે પોતે (ઈશ્વરે) જે આચાર સંહિતાઓ રચી હતી, આત્મ-શુધ્ધિમાટે જે નીતિ-સૂત્રો આપ્યાં હતાં,કર્મસિધ્ધાંતના જે નિયમો બનાવ્યા હતાં, એ બધું માનવજીવનમાંથી લુપ્ત થતું જતું હોય એવું પ્રભુએ અનુભવ્યું. પૃથ્વી પરના માનવ સંબંધોમાં લાગણી, અનુકંપા, પ્રેમ, માયાભાવ વગેરે મહદ અંશે ઓસરી રહ્યાં હોય એવું મહેસૂસ કર્યું. ઘણા બધા ઘરોમાં, પરિવારોમાં થોભીને, એમની દિનચર્યા જોઈને, એમના વાર્તાલાપ, વાદ-વિવાદ વગેરે જોયા, સાંભળ્યા પછીનું ઈશ્વરે પોતે તારવેલું આ તારણ હતું.
કઈંક નિરાશાના ભાવ સાથે પ્રભુ આગળ વધ્યા. બીજી વસ્તીમાં ગયા. કોઈક પરિવારો વ્યસનોની બદીથી પાયમાલ થઈ રહ્યા હતા. જેમના ઈરાદા નેક હતા એમને સાધન-સંપત્તિની ખોટ હતી. જ્યાં સંપત્તિ અઢળક હતી, ત્યાં એનો ખોટી રીતે વ્યય થઈ રહ્યો હતો, એટલું જ નહીં, આવા પરિવારોમાં સામાન્ય વિવેકભાવ, ‘યોગ્ય-અયોગ્ય’ વચ્ચેનું અંતર પારખવાની સમજ નહોતી, સંબંધોનું મહત્વ નહોતું અને જીવન-મૂલ્યોના અહેસાસની ખામી જણાતી હતી. આ બધા પરિવારોમાં કરેલા સર્વેક્ષણમાં બીજી એક ફરિયાદ જે થોડા ઘરોમાંથી ઊઠતી સાંભળી હતી અને જે પોતાની (પ્રભુની) સાથે સંકળાયેલી હતી તે કઈંક આવી હતી: "ઈશ્વરની સોટીનો અવાજ ભલે નહીં સંભળાય, એનો ચમત્કાર દેખાશે ત્યારે આંખ ઉઘડશે..."
બહોળો સમુદાય ધરાવતા બીજા વિસ્તારના એક મહોલ્લામાં પ્રભુ પહોંચ્યા. ૩-૪ સભ્યોવાળા એક પરિવારમાં ઘરમાં કોઈ મોટેથી પૂજા પાઠ કરતુ સંભળાયું. એક બાજુ એ પૂજા-પાઠ ચાલુ હતા ત્યારે ઘરના વડીલ ફોન ઉપર કોઈ સાથે વાત કરી રહ્યા હતા. પોતાના સ્થગિત થઈ ગયેલા ધંધાને ઉપર લાવવા સરકારી ખાતાઓમાં આપવી પડે એટલી લાંચ આપવાનું કહી રહ્યા હતા. આ સાંભળીને પૂજામાં ખલેલ પડતી હોવાથી એમની દીકરી મોટા અવાજે મંત્ર બોલવા લાગી હતી. આ દખલને કારણે પેલા ભાઈ વધુ મૉટેથી ફોન ઉપર વાતો કરવા લાગ્યા હતા: "મે કહ્યુ ને, જોઈએ એટલા પૈસા વેરો, લાંચ આપો, સરકારી ઉપરી-અધિકારીઓ જે માંગે તે આપો. પણ આ પ્રોજેક્ટ આપણા હાથમાંથી જવો નહીં જોઈએ …." આ સાંભળીને એમની પત્ની ગુસ્સામાં લાલ-પીળી થઈને, કમ્મરે બે હાથ મૂકીને એમના પતિદેવને ધમકાવતી હોય એમ મોટેથી બોલવા લાગી: "આ કેવો ધંધો લઈને બેઠા છો, તમે? લોકોને લાંચ આપી, આપીને, ગેર-નીતિના પાયાપર ઊભો કરેલો તમારો ધંધો કેવી રીતે ટકી શકવાનો છે? આના કરતાં પહેલાં નોકરી કરતા હતા તે સારું હતું. ત્યાં પણ સીધા નહીં રહ્યા! ત્યાં પણ ગરીબ લોકો પાસે લાંચ લઈને, ગરીબોની હાય લઈને પૈસા ભેગા કર્યા, એમાંથી આ ધંધો ચાલુ કર્યો. હવે બીજાને લાંચ આપીને આગળ વધવા માંગો છો! ક્યાં જઈને અટકશે આ બધું? આ પાપની કમાઈ નથી ટકવાની. આ બધું સાથે નથી આવવાનું. જરા તો વિચાર કરો. પાપના પોટલાં ક્યાં સુધી બાંધે રાખશો? અમને પણ પાપ માં નાખો છો તમે. જરાક તો ઈશ્વરથી ડરો!”
છેલ્લું વાક્ય સાંભળીને ખુદ ઇશ્વર ચોંકી ગયા. આની પહેલાં બીજા ૨-૩ ઠેકાણે પણ આવાં જ વાક્યો સાંભળવા મળ્યાં હતાં. હવે એમની ધીરજ ખૂટી ગઈ હતી. લોકોનો ભ્રમ ભાંગવો જરૂરી હતો. એમને લાગ્યું કે પેલા પતિદેવમાં કેટલાંય જન્મોના અધોગતિના માર્ગે લઈ જનારા સંસ્કાર પડેલા છે. એમની સાથે વાત કરવાથી કઈં નહીં વળે. પણ એમના પત્ની, જેમના શબ્દોમાંથી સાત્વિક ગુણોની સુવાસ પ્રસરતી હતી એમની સાથે વાત કરવા દે. “જરાક તો ઈશ્વરથી ડરો” એ વિધાન પણ એમણે જ કર્યું હતું. એ બહેન એમના સ્વભાવમાં, ગુણોમાં અને અંત:કરણથી પણ સાત્વિક હોવાની પ્રતીતિ કરાવતા હતા. ઈશ્વરને વિચાર આવ્યો કે ‘આ બેનના ફોનનો નંબર જોડવા દે!’
એમના 'નિરાકાર' ફોનમાંથી એ બહેનનો નંબર જોડ્યો:
પોતાના ફોનની ઘંટડી વાગતી સાંભળીને એ બહેને ફોન ઉપાડ્યો: "હેલો, તમે કોણ?"
પ્રભુ: "હું ઈશ્વર. તમારી સાથે વાત કરવી છે."
બહેન: "કોણ, મારો ભાઈ, ઈશ્વર"? ઊભો રહે, હું મારા રૂમમાં જઈને વાત કરું. અહીં તારા બનેવી વાત નહીં કરવા દે."
ઈશ્વરને પાછી મૂંઝવણ થઈ: "પૃથ્વીપર લોકો મારુ નામ રાખીને શાને ફરતા હશે? એટલે જ મને - સાચા ઈશ્વરને બધા ભૂલી ગયા છે! 'ઈશ્વર'ના નામે જેને જે મનમાં આવે છે તે બોલ્યે જાય છે..!”
ઈશ્વરે પાછી વાત આગળ વધારી: "તમારી સાથે વાત કરવી છે. બારણું ખોલો."
બહેન: “તું બહાર ઊભો છે? થોભ, થોડી વાર. હું મારા રૂમમાં આવી. પાછું મારે આગલા રૂમસુધી આવવું પડશે, બારણું ખોલવા.”
ઈશ્વર: "ઘરનું બારણું નહીં, તમારા અંત:કરણનું બારણું ખોલો. હું બહાર નથી, અંદર છું. તમારી અંદર. તમે લોકો ઘરના બારણા ભલે બંધ રાખો, પણ તમારા અંદરના, એટલે, અંત:કરણના બારણાં તો ખુલ્લા રાખો! જેથી મને ભલે જોઈ ના શકો પણ મારો અવાજ તો સાંભળી શકો!"
આ સાંભળતાં પેલા બહેનને ચારે તરફ બધું ફરતું હોય એવું લાગ્યું. એમનાથી પલંગ પર બેસી જવાયું. હોઠેથી શબ્દો નીકળી પડ્યા: "એ પૂજાના બાપુ, અહીં આવો છો? જુઓ તો આ કોઈ crank call લાગે છે. એને ખબર નહીં મારો નંબર ક્યાંથી મળ્યો. એ કહે છે કે એ ઈશ્વર છે. મને એમ કે મારો ભાઈ હશે એટલે મેં ફોન ઉપાડ્યો.."
ઈશ્વર: “ખોટા ગભરાટમાંથી બહાર આવો. ભગવાનમાં આટલી ઊંડી શ્રધ્ધા ધરાવો છો પણ ઈશ્વર પોતે તમારી સાથે વાત કરવા આવે ત્યારે એને '‘crank call' કહો છો? એવી કેવી શ્રધ્ધા? તમને હજી પણ શંકા હોય તો હું સાબિત કરી આપું કે હું ઈશ્વર છું."
બહેન: "શ્રદ્ધા તો છે. પણ ઈશ્વર તો ઉપર રહે. એ કઈં આવી રીતે ફોન કરીને આવે? તમે એક વાર સાબિતી આપો તો હું તમારી સાથે આગળ વાત કરું. પણ તમને મારો નંબર મળ્યો કઈ રીતે?"
ઈશ્વર: "ખબર નથી પડતી તમે બધાએ મને ઉપર, આકાશમાં શાને ગોઠવી દીધો છે! હું તો સહુના હૈયામાં રહું છું. હું જયારે કોઈની પણ સાથે વાત કરવા ઈચ્છું છું ત્યારે મારી વાત સાંભળવા કોઈ તૈયાર નથી! આ પૃથ્વીપરના બધા જ જીવો મારા બાળકો છે. માત્ર ફોન નંબર જ નહીં, એ બધાનો સંપૂર્ણ bio-data મારી પાસે છે. જેઓ આ દુનિયામાં મોજુદ છે, એમને હું ઓળખું છું. જેઓ આ દુનિયા છોડીને ગયા છે એમણે પણ હું જાણું છું. જેઓ હવે પછી જન્મ લેવાના છે એમને પણ હું જાણું છું. કારણકે એ સહુમાં 'આત્મા' રૂપે હું જ વિરાજમાન છું. હવે તમને સાબિતી આપું જેથી તમને વિશ્વાસ બેસશે કે હું ઈશ્વર છું. તમારી દીકરી તમારા જ જેવા ઊંચા સંસ્કાર લઈને જન્મી છે. થોડી જ મિનિટો પહેલાં તમારા પતિ એમનો ધંધો વિકસાવવા ફોનપર કોઈ સાથે વાત કરતા હતા અને સરકારી ઓફિસમાં લાંચ આપીને એમનો પ્રોજેક્ટ પાસ કરાવવાની સૂચના આપતા હતા. બોલો આ વાત સાચી છે કે નહીં?"
બહેન: "ઓ મા! મને તો ખબર નથી પડતી, આ બધું શું થઈ રહ્યું છે. ..!" .. ”સાંભળો. અમારું બારણું કાયમ બંધ રહે છે અને બહાર અવાજ નહીં જાય એવું sound proof બનાવડાવ્યું છે. તો ય તમને આ બધું કેવી રીતે સંભળાયું?”
ઈશ્વર: "તમારી મા ને ગુજરી ગયાને ૪ વર્ષો થઈ ગયા. તો ય હજી એને બોલાવો છો. પણ જેણે તમને બધાને જીવન આપ્યું છે એ તમારી સાથે અત્યારે વાત કરી રહ્યો છે ત્યારે એના પર શંકા કરો છો! માત્ર તમારા ઘરના જ નહીં, અંત:કરણના બારણાં પણ તમે લોકો બંધ રાખો છો !
બહેન: "તમે મારી મા ને પણ ઓળખો છો ? એ વાત સાચી કે મારી મા નો સ્વર્ગવાસ થયો એને ૪ વર્ષો થયાં. તમે ઈશ્વર જ હોવા જોઈએ. મને માફ કરો પ્રભુ. હું અભાગિણી કે તમને ઓળખી ના શકી. મારે તમારા પગે પડવું છે. મને દર્શન આપો, પ્રભુ. સાધુ-સંતોને વર્ષોના તપ-ધ્યાન પછી પણ ઈશ્વર મળતા નથી, જયારે મારા અહોભાગ્ય કે તમે મારી સાથે વાત કરી રહ્યા છો!"
ઈશ્વર: "તમે મને જોઈ નહીં શકો. મુનિ વેદ વ્યાસ, ભીષ્મ પિતામહ, અર્જુન, ભક્ત નરસૈંયો, મીરાં અને એવા બીજા સંતોને રૂબરૂ દર્શન આપ્યા પછી આંગળીના વેઢે ગણી શકાય એટલાં જ ઊંચા જીવો મને જોઈ શક્યા છે. હું પ્રત્યેક જીવના હૈયામાં વસુ છું; હું જ સહુના શ્વાચ્છોશ્વાસ ચલાવું છું; રાત્રે તમારી સઘળી ચિંતાઓને હરી લઈને તમને શાંતિભરી નિદ્રામાં સુવાડું છું; સવાર પડતાં તમારી યાદશક્તિ પાછી આપીને તમારા સહુના નિત્ય કર્મ અને દિનચર્યામાં પ્રવૃત કરું છું. તમે સહુ જે કઈં પણ કરો છો તે; તમારી સાથે જે પણ થઈ રહ્યું હોય તે સઘળું હું સાક્ષી-ભાવે નિહાળતો રહું છું. તમારા કર્મો વડે તમે આડે રસ્તે જઈ રહ્યા હો ત્યારે, અથવા કોઈ અણધારેલી આપત્તિમાંથી પસાર થઈ રહ્યા હો એવે વખતે 'તમારા આત્માના અવાજ' રૂપે હું જ તમારા મનમાં ઉદ્ભવતા વિચારો દ્વારા તમને માર્ગદર્શન આપતો હોઉં છું. પણ દુર્ભાગ્યે તમે લોકોએ તમારા અંત:કરણના દરવાજા બંધ કરીને એ અવાજને ગૂંગળાવી દીધો હોવાથી તમને મારો અવાજ સંભળાતો નથી.”
બહેન : "અહોભાવથી મારો અવાજ રૂંધાઇ રહ્યો છે. શું બોલવું એ મને સૂઝતું નથી. તમારી કૃપા અને માર્ગદર્શન જ અમારા જીવનનો સથવારો છે, પ્રભુ, અમને રસ્તો બતાવો. હું જાણું છું કે અમે ખોટા રસ્તે જઈ રહ્યા છીએ પણ મારા પતિ સમજતા નથી. એમને આશીર્વાદ આપો."
ઈશ્વર: આ પૃથ્વીપર જન્મ લેનારો દરેક જીવ પોતાના પૂર્વ જન્મોના કર્મોનું ભોગાતન કરવા જન્મ લે છે. એમના નિમ્ન સંસ્કારો એમને ખોટી દિશામાંથી પાછા ફરતા અટકાવે છે. મેં સહુને મુક્ત વિચારશક્તિ અને નિર્ણય-શક્તિ આપી હોવા છતાં તેઓ ખોટા અને અયોગ્ય નિર્ણયો લેતા રહે છે. તમારા જેવા સાત્વિક જીવનસાથીનું માર્ગદર્શન પણ એમને ગળે નથી ઊતરતું. પણ તમે ચિંતા નહીં કરો. તમારો પતિવ્રતા ધર્મ તમે સંભાળતાં આવ્યા છો તેમ જ ચાલુ રાખો. તમારા પતિના કર્મોનું ફળ એમને ભરવું જ પડશે. હું કોઈના પણ કર્મોને ભૂંસતો નથી અથવા માફ નથી કરતો."
બહેન: “પ્રભુ, તમે મને ફોન કરીને આવ્યા છો. કોઈને કહીશ તો મને ગાંડી સમજીને હસી કાઢશે. પણ તમે કહો મારે માટે શું સંદેશ, અથવા આશીર્વાદ લાવ્યા છો?"
ઈશ્વર: "હું સહુના બોલાયેલા શબ્દોને સાંભળી શકું છું, એટલું જ નહીં, એમના મનમાં ઉદ્ભવતા વિચારોને પણ વાંચી શકું છું. તમે આજે તમારા પતિને કડક શબ્દોમાં જે સલાહ આપી એ યથા-યોગ્ય છે. અને એ માટે હું તમારી સરાહના કરું છું. પણ તમારી સલાહમાં એક વાક્ય જે અયોગ્ય હતું અને ભૂલ ભર્યું હતું એ માટે તમારી ગેરસમજને દૂર કરવા અને સાચે રસ્તે દોરવા તમારા હૈયાનું બારણું મેં ઠોક્યું."
બહેન: "મારુ અહોભાગ્ય, પ્રભુ. મને આદેશ કરો."
ઈશ્વર: “તમે બોલેલા કે "ઈશ્વરથી ડરો." કોઈને અમુક કામ કરતાં અટકાવવા માટે લોકો એમના વિસ્તારના કોઈ ગુંડાનું નામ આપીને ડરાવતા હોય છે, જે પોતાની દાદાગીરીથી ખોટાં કામ કરીને બધાને ધાકમાં રાખતો હોય છે. તમે જે રીતે બોલ્યા એ પરથી એવું લાગે કે 'ઈશ્વર' મહોલ્લાનો કોઈ ગુંડો હશે ! મેં કહ્યું એ મુજબ હું કોઈના કર્મોની અથવા કર્મોના ભોગાતનની આડે નથી આવતો, હા, એ વાત સાચી છે કે દુનિયામાં મૌલિક, નૈતિક અને આધ્યાત્મિક સમતોલનને જાળવી રાખવા માટે અને લોકોને પોતાના વિચાર, વાણી અને કર્મોની જવાબદારી સ્વીકારવા અને પોતાના શિરપર લેવા મેં નિયમો બનાવ્યા છે જેની સ્વાયત્ત (autonomous) સત્તા કેટલા યુગોથી અસ્તિત્વમાં છે. આ બધા નિયમો કોઈ પણ દેશના બંધારણ હેઠળ ઘડાયેલા કાયદા-કાનૂનોને સમાંતર હોય કે નહીં, પણ સર્વેથી પરે છે કારણકે એ બ્રહ્માંડના રચયિતા દ્વારા ઘડાયેલા છે. પૃથ્વીપરની કોઈ પણ હિસાબ-કિતાબ રાખવા માટે સર્જાયેલી વ્યવસ્થામાં લોકોના કર્મોની નોંધણી થાય કે નહિ, મેં સર્જેલી વ્યવસ્થા અને નિયમો હેઠળ લોકોના અગણિત જન્મો દરમ્યાન આચરાયેલા કર્મો કોઈ પણ જાતની ક્ષતિ વગર નોંધાતા રહે છે. એ બધા કર્મોનું વિશ્લેષણ અને કર્મફળની આકારણી પણ બહુ જ ચોક્સાઈથી એની મેળે જ થતી રહે છે. આ પૃથ્વીપર જન્મ લેતો દરેક જીવ આ કર્મફળની આકારણી મુજબ પોતાનું ભવિષ્ય સાથે લઈને જ આવતો હોય છે. આ છે સામાન્ય લોકોની સમજમાં ‘વણ-ઉકેલાયેલું’, લોકોના અજ્ઞાનના અંધકારમાં છુપાયેલું અને મહદ અંશે ગેરસમજથી દુષિત થયેલું સચોટ સત્ય."
બહેન: "પ્રભુ, તમે તો મને કેટલાય જન્મોનું જ્ઞાન એકી સાથે આપી દીધું. મારા અજ્ઞાન માટે મને ક્ષમા કરો. મેં જે કહેલું કે "ઈશ્વરથી ડરો", એ મારા અજ્ઞાનમાંથી જન્મેલું વિધાન હતું."
ઈશ્વર: “યોગ્ય અને ઉચિત સંદેશ તમારે કોઈને આપવો હોય તો એમ કહી શકો કે "પોતે કરેલા કર્મોના ફળથી ડરો, કારણકે દરેકના કર્મ -ફળનું વિધાન દેશના કાયદાઓની ચોપડીમાં સમજાવ્યા મુજબ નહીં પણ કેટલાંય જન્મોના એકત્રિત થયેલા કર્મોના સંગઠિત ફળના રૂપમાં ભોગવવાનું આવતું હોય છે. જેમને પોતાના પૂર્વ જન્મોનું જ્ઞાન હોય છે તેઓ જ આ બધું સ્પષ્ટ રીતે જોઈ અને સમજી શકે છે. પણ એવી કોઈ જ ગુંજાઈશ મેં રાખી નથી કે કોઈ પણ જીવ પોતાના પૂર્વ જન્મોની વાતો યાદ રાખી શકે. આ બ્રહ્માંડમાં માત્ર મને જ સહુના આગલા-પાછલા જન્મોનું જ્ઞાન અને સ્મરણ છે”.”
બહેન: પ્રભુ, દીનાનાથ, તમે તો મારો જન્મ સાર્થક કરી દીધો. હું તદ્દન દિંગમૂઢ થઈ ગઈ છું. સમજી નથી શકતી કે આગળ શું બોલું! મને કોઈ મંત્ર આપી જાઓ. તમે વચન આપો કે તમે પાછા આવતા રહેશો "
સામેથી કઈં જ અવાજ નહીં આવ્યો. ફોનના સ્ક્રીનની લાઈટ પણ બંધ થઈ ગઈ હતી. બહેનના પેટમાં ધ્રાસ્કો પડ્યો.
“ઈશ્વરે અધવચ્ચે જ ફોન કાપી નાખ્યો? "હે પ્રભુ, તમે આવું શીદને કર્યું?" બહેને આંખમાં આંસુ સાથે પૂછ્યું. પછી ફોનને પલંગ ઉપર મૂકીને ખિન્ન હૃદયે ઊભા થયા.
એટલામાં પાછો એ જ અવાજ સંભળાયો: "પૃથ્વીપર આજકાલ call dropping બહુ વધી ગયું છે. મારા ફોનમાં કોઈ ખામી નથી."
આ સાંભળીને નવી આશાના સમુદ્રને હૈયામાં સમાવીને પાછા ફૉન ઉપાડવા દોડ્યા.
પણ ફોન તો બંધ હતો. આ વખતે ફોનની ઘંટડી પણ નહોતી વાગી. તો પછી આ કોણ બોલ્યું?
બહેનને પાછા ચક્કર આવવાં લાગ્યાં: "પ્રભુ આ શું થઈ રહ્યું છે?"
એવી ફરિયાદ કરીને પાછા જમીન પર બેસી પડ્યા.
પાછું કોઈ બોલ્યું: "હું એ જ. તમારા આત્માનો અવાજ. હવેથી તમારા અંત:કારણના દરવાજા ખુલ્લા રાખજો...."
ઈન્ટરનેટ ઉપર કોઈ કંપની ના પ્રતિનિધિ સાથે online chatting કર્યા પછી લોકો જેવી રીતે ‘chat-history’ ટપકાવી લેવા વિચારે, એ પ્રમાણે આ બહેન ઈશ્વર સાથેનો આખો વાર્તાલાપ એક કાગળ ઉપર ઉતારી લેવા બેઠા. પણ ઈશ્વરે જાણે સ્મરણ-શક્તિ મૂઢ કરી દીધી હોય એમ કઈં જ યાદ નહીં આવ્યું. ઈશ્વર બહુ લાંબા વાક્યોમાં, તત્ત્વજ્ઞાનવાળા સંદેશમાં ઘણું બધું સમજાવી ગયા હતા, જે કોઈ દિવસ વિચાર્યું પણ નહોતું. એમણે મગજના screen ઉપર ‘Recover’ નું બટન દબાવ્યું. કઈંક સફળતા મળી હોય એવું લાગ્યું. બહુ જ ઊંડી આશા સાથે "આખો વાર્તાલાપ recover થયો હતો કે નહિ એ જાણવા એમણે પ્રયત્ન કર્યો. ત્યારે માત્ર એટલું જ મેળવી શક્યા: "ઈશ્વરથી ડરો" એવું કદી કોઈને કહેવું નહીં!
વર્તમાનની ઝોળીમાં આપણું યોગદાન
આપણને હાથ ઝાલીને લઇ જશે મોક્ષના દ્વારે
“માત્ર જીવી જવા” ને બદલે દેશ, સમાજ, પરિવારો કાજે કંઈક કરતાં જઈએ.
ગઈકાલે જન્મ્યા, આજે જીવ્યા, કાલે વિદાય લઈશું ત્યારે સાથે શું લઇ જઈશું?
આ જીવનની પેલે પાર કોઈ રાહ જુએ છે આપણી, તે પૂછશે : “શું કરી આવ્યા?”
“માત્ર જીવી આવ્યા કે કંઈક ભાથું બાંધી લાવ્યા કે પછી ખાલી હાથે?”
આત્માનો સાક્ષી ભાવ
આપણી યાદદાસ્તને આપણે આપણા અતીતમાં લઇ જવા ઈચ્છીએ તો વધુ માં વધુ આપણા બાળપણ સુધી જ આપણે પંહોચી શકીએ જયારે આપણે સમજતા થયા હતા. એનાથી પહેલાંનું કંઈ યાદ કરવું હોય જેવું કે આપણે ચાલતાં ક્યારે થયેલા,
પ્યાસી હતી હું જન્મો જનમની પણ લગની હવે તારી લાગી.
પૂર્વજન્મોમાં વણ સંતોષાયેલી લાલસાઓ વધતી રહી, બસ વધતી રહી,
અધુરી રહી ગયેલી જે આશાઓ તેની વેદનાઓ ડંખતી રહી, કનડતી રહી
અતૃપ્ત રહેલી પ્યાસથી ચાતકની આંખે હું વાદળ-વાદળીઓ નીરખતી રહી,
બેદર્દ વાદળીઓ બીજાના હૈયે વરસી ગઈ અને જો, હું પ્યાસી ને પ્યાસી રહી.
દરેક જન્મમાં આશા, ઈચ્છા, અપેક્ષા, અને વાસનાઓ ના પોટલાં હું બાંધતી રહી,
આશાઓ જે પણ ફળી, જેટલી પણ મળી તે માણી, જે નહીં મળી તેને રોયા કરી.
આજની પ્રાર્થના – રામનવમી, વિક્રમ સંવત ૨૦૭૭ ના શુભ દિવસની
પ્રથમ, આપણે યજુર્વેદના શાંતિપાઠ થી આપણી પહેલી પ્રાર્થના બોલી લઈએ. જેથી આપણી આસપાસ શાંતિના આંદોલનો વહેતાં થાય . પૃથ્વી ઉપર રહેતાં સમસ્ત માનવ સમુદાયના પ્રજાજનો આ પ્રાર્થના નું ઉચ્ચારણ કરતાં જાય તો પૃથ્વી ઉપરના બધા દેશોમાં સાત્વિક શાંતિ ના પ્રચંડ આંદોલનો વહેતાં થાય, જે હાલના સમયમાં અતિ આવશ્યક છે:
તેં ચિંધ્યા જ્ઞાન, ભક્તિ અને કર્મો, અને ઠેરવ્યાં કેટલાં ઊંચા ગીતાના એ મૂલ્યો
મેં લીધા ટૂંકા રસ્તા, કર્યા કંઇક ઊંધા-ચત્તા, લીધી સસ્તી કીર્તિ અને કીધાં ખોટાં કર્મો
આવ્યો સમય હવે સહેવાનો
{{commentsModel.comment}}