અગણિત જન્મોથી આપણે ધરતી ઉપર આવીને, થોડું જીવીને, વારંવાર મરીને પાછા, ૯ મહિનાની જેલ ભોગવીને થોડાં વધુ વર્ષો આ દુનિયામાં હેરાન થવા આવતા રહ્યા છીએ અને દુ:ખમાં મરતાં રહ્યાં છીએ. પણ અહીં શા માટે, શું કરવા આવીએ છીએ, જનમ અને મરણ એ બે છેડાઓની વચ્ચેની સફરમાં શું કરી જવાનું છે, જીવનનો શું ઉદ્દેશ છે, એ સમજાય તો એ પછી એ ઉદ્દેશને હાંસિલ કરવા શું કરવાનું છે, કેવી રીતે જીવવાનું છે, જીવનમાં શું મેળવવાનું છે, શું ત્યજી દેવાનું છે, આ બધું જ્ઞાન આપણને મળતું થાય. આ જ્ઞાન આપણા અંતરાત્મા ની અંદર જે ઈશ્વરીય તત્વ ઉતારે છે, તે છે ભાગવદ્દ ગીતા. એને રોજીંદા જીવનમાં થોડું થોડું (किंचित ) ઉતારતા જઈએ અને ‘ગીતામય જીવન’ જીવતા જઈએ તો જીવનના બધા જ પ્રશ્નોને કેમ ઉકેલવા એનો ઉપાય મળતો જાય; બીજાઓ માટે, દુન્યવી મુશ્કેલીઓ માટે ને “બધાં દુ:ખો મને જ શા માટે ?” એવા પ્રશ્નોનું નિરાકરણ કુદરાઈ રીતે થતું જાય.