અધ્યાય ૨. સાંખ્ય યોગ ભાગ ૧
ભગવાન શ્રી કૃષ્ણે અર્જુન દ્વારા સમગ્ર માનવજાતને આપેલા મહામૂલા જ્ઞાનની શરૂઆત આ બીજા અધ્યાયથી થાય છે. ‘અર્જુન વિષાદ યોગ’ ના પહેલા અધ્યાયમાં ગીતા પર્વની પૂર્વ ભૂમિકા વિસ્તૃત રીતે રજુ થઇ. સાંખ્ય યોગના આ બીજા અધ્યાય માં સંપૂર્ણ ગીતાના સંદેશનો આત્મા વસ્યો છે એમ કહી શકાય. સંસારની માયાજાળમાં બંધાયેલો અર્જુન સંસારજન્ય લાગણી, પ્રેમ, માયાભાવ, સાંસારિક સંબંધોમાં ગૂંથાયેલા મોહ-માયાના તાણાવાણા, વડીલો પ્રત્યેના અહોભાવ વગેરેને યાદ કરીને અસમંજસમાં ડૂબેલો હોવાને કારણે “હું યુધ્ધ નહીં કરી શકું” એમ કહીને બેસી પડે છે. આ પછી શ્રી કૃષ્ણ પોતાની ઈશ્વરીય પ્રતિભા અને ભગવદ્દ વાણી વડે મુખ્યત્વે ચાર બહોળા મુદ્દાઓ ઉપર અર્જુનને સમજાવે છે. અહીં આપણે પણ બીજા અધ્યાયના આ મુદ્દાઓની ચાર ભાગમાં છણાવટ કરીશું.
ધર્મને અનુસરનારા અને નીતિને માર્ગે ચાલનારા પોતાના બાળકોની કાળજી રાખવામાં અને પૃથ્વી ઉપર નીતિ – ધર્મની સમતા જાળવી રાખવામાં ઈશ્વર હમેશ જાગૃત રહે છે. મહાભારતમાં પરમ પરમેશ્વર શ્રી કૃષ્ણ ધર્મની રક્ષા માટે ધર્મને માર્ગે ચાલનારા પાંડવોને પહેલેથી માર્ગદર્શન આપતા રહ્યા હતા. એમણે અસંખ્ય પ્રસંગોએ અધર્મી અને સ્વાર્થી કૌરવોના કાવાદાવા સામે પાંડવોને સાથ, સહકાર અને રક્ષણ પ્રદાન કર્યાં હતાં. અને જ્યારે અધર્મ સામે ધર્મની રક્ષા માટે કૌરવો અને પાંડવો કુરુક્ષેત્ર ની રણભૂમિ પર આવી ગયા ત્યારે ધર્મ-ધુરંધર યુધીષ્ઠીરના પરાક્રમી ભાઈ, અગ્રણી અને શૂરવીર યોધ્ધા અર્જુનના સારથી બનીને શ્રી કૃષ્ણે પોતાનું માર્ગદર્શક કવચ પૂરું પાડ્યું. પણ માનવધર્મ-જન્ય અનુકંપાથી , માનવસંબંધોમાં રહેલી સાહજિક લાગણીથી, પોતાના જ સંબંધીઓને અને સ્વજનોને સામે પક્ષે ઉભેલા નિહાળ્યા પછી અર્જુનને જે હતાશા જન્મી; લાખો લોકોને મોતના મ્હોંમાં ઉભેલા જોયા, એમના પરિવારો નિરાધાર થઇ જશે અને એ સાથે જે ભયંકર વિનાશ સર્જાશે – એની અસહ્ય કલ્પનાથી ડરી જઈને પોતે યુધ્ધ નહીં કરે એવું શ્રી કૃષ્ણને જણાવી દીધું. અધર્મ સામે ધર્મની રક્ષા અને પ્રસ્થાપન આવશ્યક હોવાથી આ યુધ્ધ જરૂરી હતું.
આવા કટોકટી ભર્યાં સમયે અર્જુનનો યુધ્ધ નહીં કરવાનો હઠાગ્રહ ધર્મ-સંસ્થાપના માટે હાનીકારક હતો. પણ પરમ કૃપાળુ ઈશ્વરને આ મંજૂર નહોતું. અર્જુનના નિરાશાત્મક વિચારોની દિશા અને એની મનોદશાને બદલવાની જરૂર હોવાથી શ્રી કૃષ્ણ ભગવાને એને આધ્યાત્મિક જ્ઞાન પ્રદાન કરવાનું શરુ કર્યું, જેને આપણે હવે પછીના બીજા ભાગમાં સમજીશું. પણ અહીં બીજા અધ્યાયના આ પહેલા ભાગમાં હતાશ થયેલા અને યુધ્ધ કરવામાંથી પીછેહઠ કરવાનો પાકો વિચાર કરી બેઠેલા અર્જુનની શરણાગત વિષે આપણે જાણીએ.
પહેલો ભાગ: શરણાગત
પહેલા ૧૦ શ્લોકોમાં અર્જુન અને શ્રી કૃષ્ણના સંવાદો દ્વારા અર્જુનની હતાશા અને યુધ્ધ નહીં કરી શકવાનો વિષાદ છતો થાય છે. સાતમાં શ્લોકમાં પ્રભુ પાસે શરણાગતી સ્વીકારતાં અર્જુન જાહેર કરી દે છે: “કૃપણતા અને દુર્બળતાને લીધે હું મારું કર્તવ્ય અને મનની સ્વસ્થતા ગુમાવી બેઠો છું. આ સ્થિતિમાં તમને વિનંતી કરું છું કે મારે માટે જે કલ્યાણકારી હોય તે કહેવાની કૃપા કરો. હું તમારો શિષ્ય છું અને તમારે શરણે છું. તેથી મને ઉપદેશ આપો.” :
कार्पण्यदोषोपहतस्वभावः
पृच्छामि त्वां धर्मसंमूढचेताः।
यच्छ्रेयः स्यान्निश्िचतं ब्रूहि तन्मे
शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्।।2.7।।
ઈન્દ્રિયોને સૂકવી નાખે એવા શોકમાં મનુષ્ય જ્યારે ડૂબેલો હોય છે ત્યારે સ્વર્ગમાં દેવોને પ્રાપ્ય અધિકારો અને પૃથ્વી ઉપરનું આર્થિક સમૃધ્ધિ ધરાવતું અને શત્રુઓ વગરનું કોઈ રાજ્ય મેળવવાથી પણ એ ઊંડો શોક દૂર કરી શકાય એવો નથી હોતો. અર્જુન અજ્ઞાનને કારણે એ નક્કી નથી કરી શકતો કે અધર્મ સામે ધર્મના યુધ્ધમાં પોતાની કરુણા યોગ્ય છે કે અયોગ્ય. શ્રી કૃષ્ણ સામે એ સ્વીકાર કરે છે કે પોતાની બુધ્ધી ભ્રમિત થઇ ગઈ હોવાને કારણે ધર્મ-અધર્મ નો ભેદ એ સમજી શકતો નથી.
न हि प्रपश्यामि ममापनुद्या
द्यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम्।
अवाप्य भूमावसपत्नमृद्धम्
राज्यं सुराणामपि चाधिपत्यम् ।।2.8।।
શોકથી હારેલો અર્જુન બીજા અધ્યાયના આઠમાં શ્લોકમાં આ રીતે પોતાની ઊંડી હતાશા વ્યક્ત કરે છે. દુન્યવી જીંદગીમાં આપણામાંથી મોટા ભાગના લોકોનો આ અનુભવ રહ્યો છે કે જીવનની સમસ્યાઓમાં થી ઉઠતી હતાશા અને શોક આપણા મન ઉપર એવું નિરાશાનું આવરણ પાથરી દેતાં હોય છે કે મુશ્કેલ અને અસમંજસમાં મૂકી દે એવી સમસ્યાઓમાંથી રસ્તો કઈ રીતે કાઢવો એ આપણને અતિ મુશ્કેલ જ નહી પણ સમૂળગું અશક્ય જણાવા લાગે છે. આવા સંજોગોમાં ઈશ્વરનું શરણ સ્વીકારવું એ જ આપણે માટે ડહાપણ ભર્યો પર્યાય બની રહે છે. સમગ્ર સૃષ્ટિના રચયિતા પરમ કૃપાળુ પરમેશ્વર પાસે જીવનની અતિ મુશ્કેલ અને સઘળી સમસ્યાઓનો ઉકેલ છે અને તેથી એમની શરણમાં જઈને જ આપણી મુશ્કેલીઓનું નિવારણ કરવું એ હિતાવહ અને અર્થપૂર્ણ બની રહે છે કારણકે ઈશ્વર હમેશાં આપણા સહુનું હીત જ ઈચ્છતા હોય છે.
મહર્ષિ વેદ વ્યાસજી પાસે દિવ્ય શક્તિ મેળવી ચૂકેલા સંજયે, ધૂતરાષ્ટ્રને કુરુક્ષેત્રની યુધ્ધ ભૂમિ ઉપરનો આંખે દેખ્યો અહેવાલ આપવાની શરૂઆત કરી હતી. અર્જુને પોતાના સારથી શ્રી કૃષ્ણને પોતાનો રથ બેઉ સેના વચ્ચે લઇ જવાની વિનંતી કરી એ પછી એના મનમાં નિરાશાત્મક વિચારોનું ઘમસાણ ઉઠ્યું. યુધ્ધના આ સમયનો અહેવાલ આપતી વખતે આ બીજા અધ્યાયનો નવમો શ્લોક કહી સંભળાવ્યો “અર્જુન, જે કંઇક કેટલાં શત્રુઓનો નાશ કરવાને સક્ષમ હતો તે કૌટુંબિક મોહના આવરણથી અને યુધ્ધથી ઉપજનારા ભયંકર સંહારના વિચારે ઊંડી નિરાશામાં ગરકાવ થઇ ગયો છે. આ કારણે ઈશ્વરને સ્પષ્ટ જણાવી દે છે કે “પોતે યુધ્ધ નહિ કરે”. અને એ પછી એ મૌન થઇ જાય છે.”
सञ्जय उवाच:
“एवमुक्त्वा हृषीकेशं गुडाकेशः परन्तप।
न योत्स्य इति गोविन्दमुक्त्वा तूष्णीं बभूव ह” ।।2.9।।
યુદ્ધભૂમિ ઉપર શું થઇ રહ્યું છે એનો આગળ ઉપરનો અહેવાલ આપતાં સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું: “ઈશ્વર પાસે પોતાની અસહાયતા વર્ણવ્યા પછી શ્રી કૃષ્ણની શરણમાં ગયેલા દિંગમૂઢ અર્જુને એમને ગુરુના સ્વરૂપમાં સ્વીકાર્યા હતા. એ જાણ્યા પછી ભગવાને પોતાની અનુકંપા દર્શાવતાં અને માર્ગદર્શન આપતાં સામસામે ઉભેલી બેઉ સેનાઓ વચ્ચે અર્જુનને જ્ઞાન વચનો કહેવાનું શરુ કર્યું.”
“तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत।
सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः” ।।2.10।।
ઈશ્વરે અર્જુનને કહેવા માંડેલા જ્ઞાન વચનોની શરૂઆત હવે પછીના ૧૧મા શ્લોકથી થતી હોઈને આ અધ્યાયના બીજા ભાગમાં આપણે ચર્ચા કરીશું. પણ આ બીજા અધ્યાયના ૧ થી ૧૦ શ્લોકો નું વિવરણ અને સારાંશ નીચે મુજબ સમજી શકાય:
“માનવજાતમાં આ પૃથ્ચી ઉપર કોઈ પણ એવી વ્યક્તિ નથી જેને પોતાના જીવનકાળ દરમ્યાન નાની થી મોટી મુશ્કેલીઓમાંથી પસાર ન થવું પડ્યું હોય. આપણા ઉપર આવેલી મુશ્કેલીઓ અથવા આપત્તિઓનું નિવારણ કરી શકવામાં આપણે પોતાને અશક્તિમાન અથવા લાચાર સમજતા હોઈએ છીએ, કારણ કે એમાંથી રસ્તો કાઢવા માટેની આપણી માનસિક અને બૌધિક સૂઝ ટૂંકી પડતી હોય છે. આપણા વિચારો એટલી ઊંચાઈએ પહોચી નથી શકતા જ્યાંથી આપણે નિવારણ માટેના અલગ, અલગ વિકલ્પો જોઈ શકીએ અથવા વિચારી શકીએ. આનું કારણ આપણું અજ્ઞાન છે. કોઈ પણ બુદ્ધિમાન અથવા બાહોશ વ્યક્તિની બૌધિક સીમારેખાને પણ અમુક હદ હોય છે જેનાથી આગળ એની દ્રષ્ટિ અને વિશ્લેષણ શક્તિ પહોંચી નથી શકતી. જગતમાં માત્ર ઈશ્વર જ સર્વ ગુણ સંપન્ન,જ્ઞાની અને સર્વ-શક્તિમાન છે, જેની પાસે મનુષ્યલોક ના સઘળા જીવોની મુશ્કેલીઓના નિવારણની ચાવી છે. આ જ કારણથી ઈશ્વરની કરુણા, અને એમના આશીર્વાદ તથા માર્ગદર્શનની જીવનના હર પગલે આપણને જરૂર રહે છે. તો આપણે સહુ શ્રીમદ ભગવદ ગીતામાં વર્ણવેલા જ્ઞાનની પ્રસાદી લેતા રહીએ.”
“અર્જુનવિષાદયોગ”
મંગળ મૂર્તિ શ્રી ગણેશજીના આશીર્વાદ વગર કોઈ પણ માંગલિક અને આધ્યાત્મિક કાર્યની પરિપૂર્તિ સરળતાથી શક્ય બની શકે એ વાત શ્રધ્ધાળુઓ માનવા તૈયાર નથી. આજના શુભ દિવસે પણ, આપણે “અર્જુનવિષાદયોગ” સમજવા જઈ રહ્યા છીએ ત્યારે ગણેશજીએ આશીર્વાદ આપીને ઉપર પોતાનું સ્થાન સંભાળી લીધું છે. આવો, એમને સાષ્ટાંગ પ્રણામ કરીને આપણી આધ્યાત્મિક શ્રેણીની શ્રુંખલા શરુ કરીએ.
ભગવદ ગીતાના શ્લોકો ના રચયિતા વેદ વ્યાસ એક પછી એક શ્લોક બોલે જતા હતા. પણ રખે ને કોઈ અગત્યની વાત છૂટી ના જાય એ હેતુથી એમણે ભગવાન શ્રી ગણેશને વિનંતી કરેલી કે પોતે શ્લોક પછી શ્લોક બોલતા જાય તે બધા એક પછી એક લખતા જાય જેથી અનુસંધાન ક્યાંક તૂટી ના જાય. ગણેશજીએ વિનંતી તો સ્વીકારી પણ પોતાની એક શરત પણ મૂકી કે વેદ વ્યાસને કોઈ પણ બે શ્લોકો વચ્ચે વિચારવાનો સમય જાય તો પોતે ઉઠીને ચાલી જશે, કારણકે તેઓ પોતાની એક ક્ષણ પણ નકામી જવા દેવા નહોતા માંગતા. વેદ વ્યાસજી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. એમણે શરત સ્વીકારી લીધી અને આ રીતે ભગવદ ગીતાના ૭૦૧ શ્લોકોનું લેખન કાર્ય સંપૂર્ણ થયેલું. વેદ વ્યાસજી ની બુદ્ધિમતા અને તિક્ષ્ણ ઉત્સ્ફૂરણ શક્તિ ને લાખ, લાખ વંદન. પણ ગણેશજી વગર આપણે સહુ ભગવદ ગીતાના પાઠ કરવાને આજે કદાચ અસમર્થ હોતે. આજે ૫૦૦૦ વર્ષો પછી પણ પૂર્ણ અવતાર શ્રી કૃષ્ણએ સમજાવેલી ગીતા આપણને સહુને માનવ ધર્મનું ગૂઢ મહાત્મ્ય સમજાવી રહી છે.
ગીતા જયંતી - માગશર સુદ ૧૧ ૨૦૭૯
ભગવદ ગીતા અધ્યાય ૨, સાંખ્ય યોગ ભાગ ૨ શ્લોક ૧૧ થી શ્લોક ૧૫
શ્લોક ૧૧
श्री भगवानुवाच:
अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे।
गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः।।2.11।।
શ્રીમદ ભગવદ ગીતાના તત્વજ્ઞાનની શરૂઆત બીજા અધ્યાયના આ અગિયારમાં શ્લોકથી થાય છે. અર્જુનના હતાશા અને ભ્રમિત થયેલા મનમાંથી ઉઠેલા આશંકાપૂર્ણ વાક્યો સાંભળ્યા પછી ઈશ્વર જીવનને સ્પર્શતા જ્ઞાનસત્રની રજૂઆત આ વાક્યથી કરે છે:
{{commentsModel.comment}}