હૃદય સ્પર્શની વેબ-ભૂમિ પર લેખક હરીશ પંચાલ (‘હૃદય’) આપ સહુનું હાર્દિક સ્વાગત કરે છે.
આપણે કેટલાંય જન્મોથી આધરતી પરની મુસાફરી આદરતા આવ્યા છીએ. દરેક જન્મમાં આપણા આત્માને શરીરરૂપી નવો રથ આપીને આપણી મુસાફરી આપણે આગળ વધારતા રહ્યા છીએ અને દરેક જન્મમાં આ રથના નામ અને રૂપ બદલાતાં રહ્યાં છે.
જન્મો જન્મથી આવન-જાવનની ઘટમાળમાં ફસાયેલા આપણે અજ્ઞાનના કારણે બહુ ઊંડે સુધી દટાયેલી ગેરસમજને આપણા અંત:કરણ સાથે વીંટાળીને પૃથ્વીપર આવતા રહ્યા છીએ કે "હું એ બીજું કોઈ નહિ, પણ મારુ શરીર. મારા શરીરનું જે નામ તે જ મારુ નામ. "અને આ શરીરની યાત્રા એ જ મારી જીવન કથા!
'હૃદય સ્પર્શ' ની આ યાત્રામાં લેખક, હરીશ પંચાલ જે સંદેશ સહમાર્ગીઓ સુધી પહોંચાડવા ઈચ્છે છે તે ગૂઢ અને 'આત્મીય' છે. અહીં જીવનની ઘટમાળમાં પરોવાયેલા સામાન્ય માનવીઓના હૈયાંઓને સ્પર્શવાની વાત છે. વેદાંતના દ્રષ્ટિકોણથી “આપણું શરીર જ આપણી ઓળખ છે” એ ગેરસમજનો ઉલ્લેખ 'હૃદય-સ્પર્શ’ની નવલકથામાં અને બીજા લેખોમાં ગૂઢ રીતે લેખકે કર્યો છે. આપણું ધ્યાન ‘માત્ર’ શરીર ઉપરથી હઠાવીને આત્મા ઉપરપણ કેન્દ્રિત કરવાનો અહીં પ્રયાસ છે. આ એક જન્મ જ આપણી મુસાફરીની સીમા-રેખા છે એવું સમજીને આપણે જીવતા આવ્યા છીએ. 'આત્મા'ને આપણે મહત્ત્વ આપીએ છીએ પણ આપણો આ દેહ પડશે પછી જે સફર શરુ થવાની છે એને માટે તો આપણે કોઈ તૈયારી જ નથી કરતા.
એક જન્મની વાત કરીએ તો જીવનની મુસાફરીમાં ચાલી રહેલ જીવાત્માઓમાંથી કોઈ પણ એવું નથી જેણે જીવન સાથે વણાયેલા દુ:ખોમાં વ્યથિત થઈને વેદનાના આંસુ નહીં સાર્યા હોય. આત્મા 'રથી' હોવા છતાં જીવનના આ રસ્તાઓપરની મુસાફરી 'શરીર સાથેની' છે. જ્યાં શરીરની વાત આવે છે, ત્યાંસુખ-દુ:ખ, આનંદ-ગ્લાની, માન-અપમાન, આશા-નિરાશા, હર્ષ-હતાશા, સફળતા-નિષ્ફળતા જેવી સંવેદનાઓની અનુભૂતિ વગરના જીવનનું અસ્તિત્વ શક્ય જ નથી. આમાંના સુખ, આનંદ, માન, આશા, હર્ષ અને સફળતા જેવા અનુભવોની સ્થિતિમાં રાચવું આપણને ગમે છે. પણ દુ:ખ, ગ્લાની, અપમાન, નિરાશા, હતાશા અને નિષ્ફળતા જેવી જે સંવેદનાઓથી દિલના ઊંડાણમાં વેદના જન્મે છે, તેની સામે મનમાંથી માત્ર ફરિયાદો જ ઊઠતી રહે છે. જયારે ઊંડા આઘાતોથી હૈયું ચિરાઈ જવા જેવી વ્યથા જાગે છે, ત્યારે આંખોના આંસુઓ વણથંભ્યા વહે જ જાય છે. આપણું કોઈ આપણને અથવા આ દુનિયા છોડીને વિદાય લે છે ત્યારે આખું જીવન અસાર અને નિરર્થક લાગવા માંડે છે.
દુ:ખ, આઘાત, વ્યથા, જુદાઈ, અધુરપ, ખાલીપો, નિરાશા, જેવી વિષમ વેદનાઓ હૃદયના જે અંધારા ઓરડાઓમાંથી ઊઠે છે તે એ હૃદય છે, જે મેડિકલ ક્ષેત્રના કોઈ મશીન ઉપર જોઈ નથી શકાતું. છતાં આ હૃદયના નિરાકાર અસ્તિત્વમાંથી જન્મ લેતાં સ્પંદનોને અનુભવી શકાય છે. આવી પરિસ્થિતિઓમાં મનમાં શાંતિ, સમભાવ, ધૈર્ય આશા, આનંદ, ઊર્મિઓ અને શ્રદ્ધા રાખીને જીવનના ઉદ્દેશ તરફ કઈ રીતે આગળ વધી શકાય એની સમજ આપવા; અને આ જન્મની પેલે પાર પણ એક નવી મુસાફરી આપણી રાહ જુએ છે એ સંદેશ સહુ સુધી પહોંચાડવા લેખક હરીશ પંચાલે આ
website
દ્વારા એક બહોળા સમુદાયનો હૈયાં-સ્પર્શ કરવાનો નિર્ધાર કર્યો છે. આ "હૃદય-સ્પર્શ.કોમ"
website
માં ચાર વિભાગોનો એક છત્ર હેઠળ સમાવેશ કર્યો છે:
૧.
Life Led By Bhagvad Gita:
જીવન આખું રહ્યા ચિંતિત વાંચી નહીં ગીતા ‘કિંચિત’
અગણિત જન્મોથી આપણે ધરતી ઉપર આવીને, થોડું જીવીને, વારંવાર મરીને પાછા, ૯ મહિનાની જેલ ભોગવીને થોડાં વધુ વર્ષો આ દુનિયામાં હેરાન થવા આવતા રહ્યા છીએ અને દુ:ખમાં મરતાં રહ્યાં છીએ. પણ અહીં શા માટે, શું કરવા આવીએ છીએ, જનમ અને મરણ એ બે છેડાઓની વચ્ચેની સફરમાં શું કરી જવાનું છે, જીવનનો શું ઉદ્દેશ છે, એ સમજાય તો એ પછી એ ઉદ્દેશને હાંસિલ કરવા શું કરવાનું છે, કેવી રીતે જીવવાનું છે, જીવનમાં શું મેળવવાનું છે, શું ત્યજી દેવાનું છે, આ બધું જ્ઞાન આપણને મળતું થાય. આ જ્ઞાન આપણા અંતરાત્મા ની અંદર જે ઈશ્વરીય તત્વ ઉતારે છે, તે છે ભાગવદ્દ ગીતા. એને રોજીંદા જીવનમાં થોડું થોડું (किंचित ) ઉતારતા જઈએ અને ‘ગીતામય જીવન’ જીવતા જઈએ તો જીવનના બધા જ પ્રશ્નોને કેમ ઉકેલવા એનો ઉપાય મળતો જાય; બીજાઓ માટે, દુન્યવી મુશ્કેલીઓ માટે ને “બધાં દુ:ખો મને જ શા માટે ?” એવા પ્રશ્નોનું નિરાકરણ કુદરાઈ રીતે થતું જાય.
૨.
Articles : (Discussions on Common Issues of Life)
જીવનની ગલીઓમાં.
દેશ, રાજ્ય, શહેર,અથવા ગામના રસ્તાઓ પર જ્યાં જઈએત્યાં કોઈ ને કોઈ વળાંક ઉપર દિશાઓ બદલાતી રહે છે. એવી જ રીતે જીવનની મુસાફરીએ નીકળ્યા હોઈએ ત્યારે કેટલાય મોડ ઉપર રસ્તાઓ ફંટાતા જાય છે. જ્યાં જવા નીકળ્યા હતા ત્યાં નહીં, પણ બીજા જ કોઈ મુકામ પર કદીક લઈ જતી લાગે છે આ જિંદગી.
આપણે અહીં શા માટે આવ્યા છીએ એની ખબર નથી. ‘આ ધરતી ઉપરના માનવ સંબંધોનું આપણી સાથે શું લેણું છે?’ આ બધા વચ્ચે 'હું કોણ છું?' વગેરે પ્રશ્નોના જવાબની શોધમાં આપણે કેટલાં જન્મોથી ભટકતા રહ્યા છીએ. જ્યાં જઈએ ત્યાં ધાંધલ, ધમાલ, ઘોંઘાટ, અશાંતિ, અરાજકતા અને દુ:ખ મળે છે. સુખઅને શાંતિક્યારે અને ક્યાં મળશેએના કોઈ એંધાણ દેખાતાં નથી.
જીવનની મુસાફરીની અગણિત ગલીઓમાં ચાલતાં, ચાલતાં માનવ હૈયાંમાં ઊઠતી રહેતી મૂંઝવણોનું અને આવા જ પ્રશ્નોનું માર્ગદર્શન સરળ ભાષામાં કરાવી શકે એવા સંદેશાઓ અને લેખો વાંચકોને મૌલિક જીવનના મૂલ્યોથી સુવિદિત રાખી શકશે.
૩.
Thoughts for Life:
વિચારો, જીવન યાત્રા માટે...
શરીરની સફર દરમ્યાન મન શંકા-કુશંકાઓમાં અટવાતું હોવાનું આપણે સહુએ અનુભવ્યું હશે. "આપણી ઓળખ શું છે?", "આપણે અહીં શા માટે છીએ?", "આપણે ક્યાં જઈ રહ્યા છીએ?", "આપણું સાચું ઘર કયું?", "જીવનમાં આવતી હાર અને જીતમાં તટસ્થ કેવી રીતે રહેવું? " ...... કોઈ વાર આવા મનમાં ઊઠતાં ઘણા પ્રશ્નો અથવા મૂંઝવણોનું નિરાકરણ કોઈક ટૂંકા અને નાના વિચારોમાંથી મળી જતું હોય છે. એવા વિચારો ભલે ૩-૪ વાક્યોના હોય, પણ જેમ જેમ એ મનમાં વાગોળાતાં જાય, એનું વિશ્લેષણ થતું જાય તેમ એ નાનકડા વિચારની પાછળ છુપાયેલો ગૂઢાર્થ સમજણમાં આવતો જતો હોય છે. તે સમજવાની સાથે મનમાં જ્ઞાનનો પ્રકાશ થતો અનુભવાય છે. ઘણી વાર આવા નાના અને ટૂંકા વિચારોમાં જીવનના પ્રશ્નોરૂપી તાળાંઓની ચાવી છુપાયેલી હોય છે. માનવ-જન્મ જેવાં મહામૂલાં જીવનને આગળ વધવામાં યોગ્ય વિચારોનો સથવારો રહે એ હેતુથી હૃદય-સ્પર્શની ભૂમિ ઉપરથી જીવન સંબંધિત પ્રેરણાદાયક વિચારો અવારનવાર રજુ કરવાનો ઉદ્દેશ છે.
૪.
Spiritual Antidotes:
અર્થાત આધ્યાત્મની કેડીએ
આપણા જીવનની સફરમાં જે બધી મુશ્કેલીઓમાંથી અને મૂંઝવણોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ એવી જ, અથવા એથી પણ વધુ કઠણ પરિસ્થિતિઓમાંથી સાધુ-સંતો અને ઈશ્વરના પયગંબરો પસાર થયા હતા. એટલું જ નહીં, એમના જીવનની કિતાબ આપણે માટે ખુલ્લી મૂકતા ગયા હતાં.
આપણે સહુ મોક્ષનો માર્ગ શોધીએ છીએ, નીતિના માર્ગે ચાલવા ઈચ્છીએ છીએ. પણ ક્યાંથી શરુ કરવું એની મૂંઝવણ સતાવે છે. પૂજા, પાઠ, સત્સંગ, શ્રવણ, મનન, ચિંતન, ધ્યાન અને સાધના જેવી પવૃત્તિઓ આપણને ઈશ્વર સાથે જોડાવાની, એની વધુ નજીક આવવાની કેડી પ્રસ્થાપિત કરે છે. આધ્યાત્મિકતાના રસ્તાઓ પર ચાલતાં, ચાલતાં મનમાં શાંતિનો અહેસાસ થવા લાગે છે. શાંતિ અને ક્રોધ એક બીજાના વિરોધી હોવાને કારણે શાંત થતાં જતાં મનમાં ક્રોધ સમતો જાય છે. ઈચ્છાઓ, લાલસાઓ અને ભૌતિક સાધનો, પ્રસાધનો પરથી ભાવ ઊઠતો જાય છે. વિચાર, વાણી અને વ્યવહારમાં વિવેક અને સહિષ્ણુતા વણાતા જાય છે. મોહ અને માયાની ભીંસ આસ્તે, આસ્તે છૂટતી જતી અનુભવાય છે. આપણી આજુબાજુ જે થઈ રહ્યું છે એ ભલે નહીં સમજાય તો પણ એની પાછળ કઈંક સંદેશ અથવા ઉદ્દેશ હોવો જોઈએ એવો વિશ્વાસ પાકો થતો જાય છે. એ માર્ગ ઉપર વધુ આગળ ચાલતાં રહીએ તો જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી કઈ રીતે માર્ગ કાઢવો એની સમઝણ કુદરતી રીતે જ આવતી જાય છે.
જે સફર આપણા શરીર વડે આપણે આગળ વધારી રહ્યા છીએ તે હકીકતમાં તો આત્માની સફર છે, કારણ કે આપણું શરીર નહીં હશે ત્યારે પણ આપણા આત્માની સફર તો ચાલુ જ હશે. તો જે સફરની તૈયારી હવે પછીના જન્મો માટે પણ કરવાની છે એને માટેઆ જીવનમાંથી જ ભાથું બાંધવા માંડીએ તો કેવું ?